પાટણ ખાતે કોવિડ-૧૯ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક

શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવે તો સંક્રમણનું પ્રમાણ અને પરિણામે મૃત્યુદર પણ ઘટાડી શકાશે
જિલ્લામાં કોવિડ-૧૯ની સમગ્રતયા પરિસ્થિતિ અને વહિવટી તંત્રની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે મુખ્ય સચિવશ્રીને અવગત કર્યા
કોરોના વાયરસ મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમના અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડ-૧૯ સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી મુખ્ય સચિવશ્રીએ ભવિષ્યની પરિસ્થિતિને પહોંચી વળવા ઉચ્ચ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમે પાટણ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીને નિયંત્રણમાં રાખવા તમામ વિભાગના અધિકારીશ્રીઓએ ટીમવર્ક દ્વારા ઉત્તમ કામગીરી કરી છે. આ જ પ્રકારે આગામી સમયમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે. મુખ્ય સચિવશ્રીએ આ સંદર્ભે કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે રજૂ કરવા અનુરોધ કરી, જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.
કોવિડ-૧૯ના વધી રહેલા કેસની સંખ્યામાં ઘટાડો કરવા સઘન સર્વેલન્સ પર ભાર મુકતાં મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું કે, કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા તથા આરોગ્ય કેન્દ્રો પર સર્વેલન્સ કરી શંકાસ્પદ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવે તો સંક્રમણનું પ્રમાણ અને પરિણામે મૃત્યુદર પણ ઘટાડી શકાશે.
પાટણ જિલ્લામાં કોવિડ-૧૯ની સમગ્રતયા પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે મુખ્ય સચિવશ્રીને અવગત કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, શંકાસ્પદ દર્દીઓ શોધવા માટે જિલ્લામાં ૭૨૦ જેટલી સર્વેલન્સ ટીમ ઉપરાંત ધન્વંતરી રથ પણ કાર્યરત છે. વધુમાં પેસિવ સર્વેલન્સ દ્વારા પણ પરિસ્થિતી પર સતત નજર રાખવામાં આવી રહી છે. કન્ટેઈનમેન્ટ ઝોનના ચુસ્ત પાલન સાથે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે અને ફરજીયાત માસ્ક પહેરે તે દિશામાં પણ અમલવારી કરવામાં આવી રહી છે.
કોવિડ-૧૯ના કેસ તથા અન્ય આંકડાકીય રૂપરેખા રજૂ કરી જિલ્લા કલેક્ટરશ્રીએ પોલીસ વિભાગની કામગીરી, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાઓનું વિતરણ, સિનિયર સિટીઝન્સની વિશેષ કાળજી સહિતની માહિતી મુખ્ય સચિવશ્રીને આપી હતી. ડૅથ ઑડિટ શરૂ કરી છેલ્લા ચાર મહિનામાં થયેલા ૬૦૦ જેટલા લોકોના મૃત્યુના કારણો પર પણ સતત નજર રાખવામાં આવી.
પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડ-૧૯ સંદર્ભે કરવામાં આવેલી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે રાઉન્ડ માર્કિંગ, કોરોના ચેકપોસ્ટ, કમ્યુનિટી પોલીશિંગ, ટેલિ મેડિસીન સહિતની પ્રેરણાત્મક પહેલ અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય સચિવશ્રીને અવગત કર્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.એસ.સાલ્વિ, ધારપુર જનરલ હોસ્પિટલના ડીનશ્રી ડૉ.યોગેશાનંદ ગોસ્વામી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..